માતા-પિતા બનાવી કન્યાદાન કરાવ્યું બાદમાં સોનાના દાગીના વેચવા માટે લઇ જઇ 8.83 લાખની ઠગાઇ કરી

શહેરના પૂજારા પ્લોટમાં રહેતા વૃદ્ધા અને તેના પતિનો વિશ્વાસ જીતી બંનેને માતા-પિતા બનાવી, તેમની પાસે કન્યાદાન કરાવ્યું હતું અને બાદમાં તેમની પાસેથી સોનાના દાગીના વેચવા માટે લઇ જઇ રૂ.8.83 લાખ નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી, પોલીસે દંપતી અને તેના બે પુત્ર સામે ગુનો નોંધી ચારેયની શોધખોળ શરૂ કરી હતી. લક્ષ્મીવાડી મેઇન રોડ પરના પૂજારા પ્લોટમાં આવેલા પ્રેસિએસન્સી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રફુલાબેન હસુભાઇ કોટકે (ઉ.વ.71) ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારિયા રોડ પરના આશાપુરાનગરમાં રહેતા શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા અને તેના બે પુત્ર ધનરાજસિંહ તથા હિરેન્દ્રસિંહના નામ આપ્યા હતા. પ્રફુલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રીસેક વર્ષ પહેલા તે તથા તેમના પતિ હસુભાઇ કપડા લે-વેચનો ધંધો કરતા હતા ત્યારે પ્રતાપસિંહ તેમની પાસે કપડા લેવા આવતા હતા, બાદમાં કૃષ્ણસિંહની સગાઇ શોભનાબા સાથે થઇ હતી, કૃષ્ણસિંહના લગ્નનું તેમને આમંત્રણ મળતા પ્રફુલાબેન અને તેના પતિ હસુભાઇ લગ્નમાં ગયા હતા, જ્યાં આ દંપતીએ માતા-પિતા બની શોભનાબાને કન્યાદાન કર્યું હતું.

થોડા સમય બાદ કોટક દંપતીએ કપડાનો વ્યવસાય બંધ કરી જાંગડ પર સોનાના દાગીના વેચવાનું શરૂ કર્યું હતું, કોટક દંપતી આશાપુરા હોલ પાસે આવેલા ભદ્રકાળી જ્વેલર્સવાળા અશ્વિનભાઇ પાસેથી જાંગડમાં દાગીના લઇ આવતા હતા અને તેનું વેચાણ કરતા હતા, શોભનાબા અને કૃષ્ણસિંહ રાયજાદા આ કોટક દંપતી પાસેથી દાગીના મેળવી તેનું વેચાણ કરતા હતા, ગત તા.21 એપ્રિલ 2021ના રાયજાદા દંપતી શોભનાબેન પાસેથી સોનાના 9 ચેઇન, 5 વીંટી તેમજ શોભનાબેને પહેરેલી સોનાની બે બંગડી સહિત કુલ રૂ.13,94,500ના દાગીના લઇ ગયા હતા, ત્રણેક દિવસ વીતી જવા છતાં રાયજાદા દંપતી દાગીના પરત આપવા ગયા નહોતા અને પૈસા પણ ચૂકવ્યા નહોતા, કોટક દંપતીએ અનેક વખત ઉઘરાણી કરતાં રૂ.5.11 લાખ કટકે કટકે ચૂકવ્યા હતા, બાકીના રૂ.8,83,550 ચૂકવ્યા નહોતા, આથી આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *