ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંચાલિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ દ્વારા વર્ષોથી સર્વ સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે ચાલી રહ્યા છે. જેમાં યુપીએસસી, જીપીએસસી, ઉપરાંત વર્ગ 1, 2 અને 3ની સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગોમાંથી તાલીમ લઈને અનેક યુવાનો વિવિધ સરકારી વિભાગમાં પ્રતિષ્ઠિત જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવનારા તમામ તેજસ્વી યુવાનોનો સ્નેહમિલન સમારોહનું આયોજન આગામી તારીખ 10 નવેમ્બરને રવિવારના રોજ ખોડલધામ મંદિર-કાગવડ મુકામે કરવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ખાતે સવારે 10-30થી 12-30 સુધી ખોડલધામ મંદિરે યોજાનાર તેજસ્વિતા સ્નેહમિલન સમારોહમાં સંસ્થામાંથી તાલીમ લઈને વિવિધ સરકારી વિભાગમાં હાલ ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા વિવિધ 5 પ્રકલ્પો શરૂ કરવામાં આવશે.જેમાં ગાંધીનગર ખાતે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા શરૂ થનાર રીડિંગ રૂમનો પણ પ્રારંભ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં સૌ પ્રથમ વખત જીપીએસસીની અંગ્રેજી માધ્યમની ઓનલાઈન બેચનો પણ પ્રારંભ કરવામાં આવશે. જુનિયર યુપીએસસી બેચનો પણ પ્રારંભ કરાશે અને ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં જ IIT/NEETની તૈયારી કરાવવા માટેની બેચનો પણ પ્રારંભ કરાશે.