કડવા પટેલ સમાજ રાજકોટમાં રૂપિયા 165 કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલ બનાવશે

કડવા પાટીદાર સમાજ માટે આસ્થાના કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે રાજકોટમાં રૂ.20 કરોડના ખર્ચે ઉમા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કડવા પાટીદાર સમાજ દ્વારા કળશ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં સૌરાષ્ટ્રના 70 હજાર પરિવાર જોડાયા છે. જે પરિવારો જોડાયા છે તેઓ રોજે- રોજ એક રૂપિયો ભેગો કરે છે. આ રકમ સમાજના ઉત્કર્ષ માટે વાપરવામાં આવશે. પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે રૂ. 500 કરોડની ત્રીજી સમૃદ્ધિ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટના ઈશ્વરિયા ખાતે રૂ.125 કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલ ઊભું કરાશે. જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ સહિતની તમામ સુવિધા મળી રહેશે.

આ ઉપરાંત રૂ.40 કરોડના ખર્ચે રાજકોટમાં ગોવાણી કુમાર છાત્રાલયનું નવનિર્માણ કરવામાં આવશે. આજથી 100 વર્ષ પહેલાં પાટીદાર સમાજના ભામાશાઓએ છાત્રાલય-પાટીદાર ભવન શરૂ કરી પાટીદાર સમાજની પ્રગતિના દ્વાર ખોલ્યા હતા. તેમાં એક નવું મોરપીંછ ઉમેરવામાં આવ્યું છે. તેમ ઉમિયા માતાજી સિદસરના પ્રમુખ જેરામભાઈ વાસંજાળિયાએ જણાવ્યું છે. રાજકોટ ઉપરાંત અમદાવાદમાં 1000 દીકરા-દીકરીઓ માટે રૂ.125 કરોડના ખર્ચે છાત્રાલય નિર્માણ કરાશે.

કડવા પાટીદાર સમાજ દ્વારા આ ત્રીજી સમૃદ્ધિ યોજના જાહેર કરવામાં આવી છે. પ્રથમ યોજના 1999માં રૂ.51 કરોડની હતી. જ્યારે બીજી યોજના માટે રૂ.2012માં રૂ. 100 કરોડની યોજના જાહેર કરાઇ હતી. ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડિયાએ જણાવ્યું હતું કે, સવા શતાબ્દી મહોત્સવ થકી પાટીદાર સમાજને એક છત્ર હેઠળ લાવી સહિયારા પુરુષાર્થ થકી સમાજ ઉપયોગી પ્રવૃત્તિની કેડી કંડારવા આહ્વાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *