રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મંગળવારે જૂના કોર્ટ બિલ્ડિંગ ખાતે પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી જેમાં બે કોંગી સભ્ય વિનુભાઇ મેણિયા અને મનસુખભાઇ સાકરિયાએ પ્રજાની સમસ્યા અંગેના આઠ પ્રશ્નની ઉઠાવ્યા હતા. જેમાં સાકરિયાના ભારે વરસાદને કારણે તેમના વિસ્તારમાં ખેતીને થયેલા નુકસાનીના સરવે બાબતે પ્રશ્ન ઉઠાવતા પ્રમુખ અને તેમની વચ્ચે શાબ્દિક તડાફડી બોલી હતી.
કોંગી સભ્ય મનસુખ સાકરિયાએ ચર્ચા દરમિયાન પોતાના મતક્ષેત્ર વિસ્તારમાં વરસાદથી ખેતીને થયેલા નુકસાનનો સરવે નહીં થયાનો અને વળતર નહીં મળ્યાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જેના જવાબમાં પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ અણગમો વ્યક્ત કરતા જણાવેલ કે, તમે ક્યારેય મારી ઓફિસમાં આવીને ખેતીના કે અન્ય કોઇ પ્રશ્નોની ચર્ચા કરી નથી. તમે સામાન્ય સભામાં મીડિયા સામે જ પ્રશ્નો પૂછો છો. જરૂર પડ્યે બીજી વખત સરવે કરાવવાની તૈયારી છે. જેના વળતા જવાબમાં સાકરિયાએ વળતો જવાબ આપ્યો હતો કે, ચૂંટાયેલા સભ્ય તરીકે પ્રશ્ન પૂછવાનો મારો અધિકાર છે. જો પ્રશ્ન પ્રસિદ્ધિલક્ષી હોય તો તેને પ્રશ્નોત્તરીમાં સ્થાન શા માટે આપો છો. આ મુદ્દે બન્ને પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી.
સામાન્ય સભામાં રતન ટાટા અને જામકંડોરણાના આંચવડ ગામના શહીદ વિશ્વરાજસિંહ ગોહિલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ ફરજ દરમિયાન મૃત્યુ પામેલા તલાટીઓના વારસદારોને સહાયનો ચેક અપાયો હતો. પ્રશ્નોત્તરી બાદ અધ્યક્ષસ્થાનેથી કેટલાક ઠરાવો કરવામાં આવ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ રંગાણીએ દાતાઓ પાસેથી ડોનેશન લઇ ફંડ સ્થાપવા ઠરાવ કર્યો હતો. પ્રમુખે જાહેર કરેલ કે આપણે જિલ્લા પંચાયત મદદ અને વિકાસ ફંડ નામે એક ફંડની સ્થાપના કરાવવાનું ઠરાવીએ, જેમાં સેવાભાવી સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ તથા વ્યક્તિ ફાળો આપી શકે. દાતાઓ દ્વારા કોઇ નિયત હેતુ માટે આપવામાં આવેલી રકમ અન્વયે સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર ખર્ચ કરી શકાશે. જિલ્લા પંચાયતના પ્રમુખના હોદ્દાની રૂએ મને જે માનદ વેતન મળવાપાત્ર છે તે તમામ વેતન હું આ ફંડમાં આપીશ.