કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત પડધરીની કવિ દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે 70 લાખના ખર્ચે બનનાર કોલેજના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ભૂમિ પૂજન કરી ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે કાર્યક્રમના સ્થળ પર મંત્રી સહિત મહાનુભાવોએ 27 કરોડથી વધુ રકમના ખર્ચે બનનારા રાજકોટ જિલ્લાના 225થી વધુ વિકાસના વિવિધ કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગરીબ કલ્યાણ મેળો કૃષિ મહોસત્વ સહિતની યોજનાઓથી નાગરિકોનું જીવન બદલાયું છે. આ પ્રસંગે મંત્રીએ કોલેજના મેદાનમાં રમત સંકુલનું ભૂમિ પૂજન કરી ભવિષ્યમાં આ મેદાન પડધરીના યુવાનો તથા રમત પ્રેમીઓની ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરવાની સાથે વિકાસ સપ્તાહમાં કાર્યરત જિલ્લા વહીવટી તંત્રને શુભકામના પાઠવી હતી.
જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ આ તકે સ્વાગત પ્રવચનમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીની રૂપરેખા આપી જણાવ્યું હતું કે, આ સપ્તાહ દરમિયાન રાજકોટ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવાની સાથે વિકાસના વિવિધ કામો હાથ ધરાશે, જેનાં ભાગરૂપે પડધરીની કવિ દાદ કોલેજમાં રમત સંકુલનું ભૂમિપૂજન કરાયું છે. આ રમત સંકુલ પડધરીના રમતવીરોને તથા પોલીસ જેવી ભરતી માટે તૈયારી કરતા યુવાનોને ઉપયોગી બનશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન અને તક પુરી પાડવા માટે વિશેષ પહેલ કરીને આ સ્પોર્ટસ કોમ્પ્લેકસનો શુભારંભ કરાવયો છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેકસના નિર્માણ થકી ભવિષ્યની પેઢી રમત-ગમત ક્ષેત્રે પ્રગતિ કરી શકશે, તથા શારીરિક સજ્જતા પ્રત્યે યુવાનોમાં જાગૃતિ આવશે. આ તકે રમતગમતમાં રાજ્ય કક્ષાએ પહોંચેલા યુવાનોને પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા. પૂર્વ પ્રાથમિક શિક્ષણની સુંદર પ્રવૃત્તિમય કામગીરી કરવા બદલ આંગણવાડીની બહેનોને પણ પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા.