ભાદરવો મહિનો એ શ્રાધ્ધ પક્ષ-પિતૃપક્ષનો મહિનો ગણાય છે. જેથી, આ મહિનામાં મિલ્કતોના ખરીદ-વેચાણ તેમજ ખરીદીમાં ઓટ આવે છે તેમ છતાં રાજકોટ શહેર-જિલ્લામાં ભાદરવા માસમાં કુલ 11,784 મિલ્કતોનું વેચાણ થયુ છે. રાજકોટ શહેર-જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દર માસે દસ્તાવેજોની થતી નોંધણીની સાપેક્ષમાં ગત ભાદરવા માસની દસ્તાવેજ નોંધણીમાં 1,000નો ઘટાડો થવા પામ્યો છે તેમ છતાં 11,784 મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી થતા રાજય સરકારને રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ફી પેટે કુલ રૂ. 62,30,71,061ની આવક થઈ છે.
સરકારની તીજોરીમાં રૂ.6,30,36,491ની આવક જમા દસ્તાવેજ નોંધણીમાં રાજકોટના મોરબી રોડ પર સૌથી વધુ 1,380 મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં થવા પામી છે. આ મોરબી રોડની 1,380 મિલ્કતોના દસ્તાવેજની રજીસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયુટીની ફી પેટે સરકારની તીજોરીમાં રૂ.6,30,36,491ની આવક જમા થવા પામી છે. આવી જ રીતે મવડી રોડ વિસ્તારમાં 1,051 મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં થવા પામી છે. જયારે રૈયા વિસ્તારમાં 973, રાજકોટ-1માં 738, મવા વિસ્તારમાં 805, કોઠારીયામાં 800 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 764 મિલ્કતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં થવા પામી છે.