રાજકોટના રસ્તાઓના નિર્માણ વખતે અંધ, બાળકો, સાયકલીસ્ટને ધ્યાનમાં રાખો

રાજકોટ સહિતના કોઇપણ મહાનગરોમાં ખાડા વિનાના રોડને આદર્શ માની લેવામાં આવે છે પરંતુ અંધ સહિતના દિવ્યાંગો, વ્હીલચેર પર જતા લોકો, ટ્રોલીમાં બેસાડીને લઇ જવામાં આવતા ભુલકાઓ, સાયકલ, રાહદારીઓ માટેની જગ્યા પણ રોડ પર હોય તો જ તે આદર્શ ગણી શકાય તેવો નવો વિચાર છે.આ વિષય સાથેના ‘કમ્પલીટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ’ અંગે જર્મનીની એજન્સી અને કેન્દ્ર સરકાર દ્વારા મનપા અધિકારીઓ માટે 2 દિવસના વર્કશોપ અને પ્રેકટીકલ તાલીમનું આયોજન કરાયું હતું. જેના અંતે કમિશ્નરે તમામ વર્ગના લોકો માટે ઉપયોગી બને તેવી રસ્તાની ડિઝાઈન બનાવવા ઇજનેરોને જણાવ્યું છે.

વર્કશોપ બાદ મનપાના ઇજનેરોને નિષ્ણાંતોની ટીમે પ્રેકટીકલ અનુભવ પણ કરાવ્યા હતા. જેમાં ઇજનેરોને આંખે પાટા બાંધી રસ્તે ચાલવા કહેવાતા તેમને અંધજનોની હાલત માલુમ પડી હતી. વ્હીલચેર પણ ચલાવવા આપતા દિવ્યાંગોને રસ્તેથી પસાર થવામાં કેવી મુશ્કેલી પડે તેવો અનુભવ થયો હતો. જેથી રાજકોટમાં નવા રસ્તા દરેક વર્ગના લોકોને અનુકુળ બનવા જોઇએ તેવું તારણ નીક્ળ્યું હતું.જર્મનીની એજન્સી જીઆઇઝેડના સમર્થન સાથે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન દ્વારા કમિશન્ડ કરાયેલ ’સસ્ટેનેબલ અર્બન મોબિલિટી, એર ક્વોલિટી, ક્લાઇમેટ એક્શન અને એક્સેસિબિલિટી’ સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટે ટેકનીકલ સહયોગ મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ ભારતના 5 રાજ્યો (ઓડિશા, ગુજરાત, કેરળ, કર્ણાટક અને મેઘાલય)માંથી પસંદ કરેલા નવ શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *