શહેરના 274 વિકાસ કાર્યો કરવામાં મનપા સાથે કરી લોકોએ જન ભાગીદારી

રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળોએ વિકાસ કાર્યો થઈ રહ્યા છે. આ માટે મનપા પોતાનું ભંડોળ તેમજ સરકારની ગ્રાન્ટ વાપરે છે. જોકે લોકો પણ તેમાં જોડાય અને ઝડપથી વિકાસ કાર્યો થાય તે માટે રાજ્ય સરકારે જન ભાગીદારી યોજના છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ કરી છે. આ યોજનામાં રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે અને તેમાં લોકોએ પણ ફાળો આપવાનો હોય છે. જે કામોમાં લોકો ફાળો આપે તેને પ્રાથમિકતા અપાય છે એટલે કે મનપાની ગ્રાન્ટમાંથી કામ થતા હોય તે પહેલાં લોકફાળાના કામો થઈ રહ્યા છે. આવા 274 વિકાસ કાર્યો હાથ ધરાયા છે જે પૈકી 114 તો પૂર્ણ થઈ ગયા છે.

જન ભાગીદારી યોજના અંતર્ગત કોઇપણ કામનું બજેટ તૈયાર થાય એટલે તેમાં 70 ટકા રકમ રાજ્ય સરકાર આપે છે. 10 ટકા રકમ રાજકોટ મહાનગરપાલિકા અને બાકીની રકમ માટે લોકોનો ફાળો અને વિસ્તારના કોર્પોરેટર કે ધારાસભ્યની ગ્રાન્ટનો હિસ્સો નાખવામાં આવે છે. જે વિસ્તારના લોકો વિકાસ કાર્યોને ગંભીરતાથી લેતા હોય તેઓ પોતાનો ફાળો જરૂર આપે છે તેથી તેઓને પ્રાથમિકતા અપાય છે. રાજકોટ શહેરમાં સી.સી. રોડથી માંડી ડી.આઈ. લાઈન સુધીના કામો આ જ રીતે જન ભાગીદારી યોજનાથી થઈ રહ્યા છે. કુલ 274 કામમાંથી 114 કામ પૂર્ણ થઈ ગયા છે જ્યારે બાકીના કામ હાલ આયોજન હેઠળ છે અને તે પણ ઝડપથી શરૂ કરાશે.

રાજકોટ શહેરના વોર્ડ નં.9માં આવેલા પ્રશીલ પાર્કમાં પાણીની ડી.આઈ. લાઈન નાખવા માટે ગત વર્ષે જન ભાગીદારી હેઠળ કામ હાથમાં લેવાયું હતું જેમાં 83.38 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સિવાય 80 ટકાથી વધુ કામો પેવિંગ બ્લોક લગાવવા માટેના થયા છે. જેથી રોડ રસ્તા અને શેરી ગલીઓમાં સ્વચ્છતા જાળવવામાં ઘણી મદદ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *