મુંદ્રાથી અલગ અલગ પ્રકારના તેલ ભરીને હજીરા તથા છત્રાલ જતાં ટેન્કરને ધ્રાંગધ્રાના પીપળી નજીક હોટેલના મેદાનમાં ઊભા રાખી ત્યાં ચાલતા તેલ ચોરીના કૌભાંડનો સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર અ્ને રાજકોટની ટીમે ભાંડાફોડ કરી પાંચ શખ્સને રૂ.1.57 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. રાજકોટના મનીષ પટેલ સહિત પાંચ શખ્સ આ નેટવર્ક ચલાવતા હતા. આ કૌભાંડમાં પાંચ સહિત 13ના નામ ખૂલતા સીઆઇડી ક્રાઇમે તેની શોધખોળ શરૂકરી હતી.
મુંદ્રાથી ટેન્કરોમાં પામોલીન તેલ, દિવેલ તેલ, સોયાબીન તેલ ભરી હજીરા જતી વખતે આ ટેન્કરના ડ્રાઇવર અને ક્લીનર ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર પીપળી ગામના પાટિયા પાસે રામદેવ હોટેલની પાછળ મેદાનમાં ટેન્કર ઊભા રાખી ત્યાં ટેન્કરના સીલ ખોલી તેલ ચોરી કરાતી હોવાની માહિતી મળતાં સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇ ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી કેટલાક લોકો નાસી છૂટવામાં સફળ થયા હતા, પરંતુ પોલીસે સ્થળ પર પીપળીના અજમલ બાબુજી કોલી, રાજકોટના દેવપરાના મહેબૂબ બાબુ સુમરા, પીપળીના નરપત રાજાજી ઠાકોર, પ્રવીણ બાબુજી કોલી અને રાજસ્થાનના ગજરાજસિંગ બિરમસિંગ રાવતને ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસે બે ટેન્કર, એક છોટા હાથી વાહન તેમજ અલગ અલગ તેલના જથ્થા સહિત કુલ રૂ.1,57,38,099નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પાંચેયની સઘન પૂછપરછ કરતા તેલ ચોરીના નેટવર્કનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટના મનીષ પટેલ, રજાક, વિશાલ, મોરબીના વાય.બી.જાડેજા- યુવરાજસિંહ તથા ગાંધીધામનો સુરેશ આ કાળા કારોબારના સૂત્રધાર છે. આ શખ્સો ટેન્કરચાલક અને ક્લીનરને તેલ ચોરીના બદલામાં નિશ્ચિત રકમ આપતા હતા અને તેની લહાયમાં ટેન્કરચાલકો અા સ્થળે ટેન્કર લાવી તેલ ચોરી કરાવતા હતા. લાંબા સમયથી ગોરખધંધો ચાલતો હતો. ઉપરોક્ત પાંચ ઉપરાંત ટેન્કરના ચાલકો સહિત 13 શખ્સની સીઆઇડી ક્રાઇમે શોધખોળ શરૂ કરી હતી.