શહેરના જામનગર રોડ પરના બજરંગવાડીમાં જુણેજા હોલમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી નશો કરી રહેલા ત્રણ ઇસમને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી દારૂ અને વેફરના પેકેટ પણ જપ્ત કર્યા હતા. બજરંગવાડીમાં આવેલા જુણેજા હોલમાં જામથી જામ ટકરાઇ રહ્યા છે અને દારૂની મહેફિલ જામી છે તેવી માહિતી મળતાં જ ગાંધીગ્રામના કોન્સ્ટેબલ પ્રદીપભાઇ ડાંગર સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે હોલની અંદર ત્રણ શખ્સ કુંડાળું વાળીને બેઠા હતા. તેમની નજીક પ્લાસ્ટિકના ત્રણ ગ્લાસ, ખૂલેલા વેફરના પેકેટ અને 180 એમએલ દારૂ ભરેલું પાઉચ મળી આવ્યું હતું.
પોલીસે કુંડાળું વળીને બેઠેલા બજરંગવાડીના આમિર રફીક મોગલ, રૂખડિયાપરાના અયુબ રહીમ િસપાહી અને સોહિલ સાહબુદ્દીન બેલીમને સકંજામાં લેતા ત્રણેય નશાખોર હાલતમાં મળી આવ્યા હતા. ત્રણેયના મોંમાંથી કેફી પ્રવાહી પીધાની તીવ્ર વાસ આવતી હોય પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.