કાનપુર ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ 2-0થી ક્લીન સ્વીપ કરી લીધી છે.
વરસાદથી પ્રભાવિત મેચના છેલ્લા દિવસે મંગળવારે ભારતને 95 રનનો ટાર્ગેટ હતો, જેને ભારતીય બેટર્સે 17.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. યશસ્વી જયસ્વાલે 51 રન બનાવ્યા હતા. કોહલી 29 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિકેટકીપર રિષભ પંતે ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.
લંચ પહેલાં, ભારતે બીજી ઇનિંગમાં બાંગ્લાદેશને 146 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશી ટીમે દિવસની શરૂઆત 26/2ના સ્કોરથી કરી હતી. સોમવારે ભારતે 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રનના સ્કોર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. વરસાદને કારણે ત્રીજા અને બીજા દિવસની રમત રદ કરવી પડી હતી, જ્યારે પહેલા દિવસે માત્ર 35 ઓવર જ ફેંકી શકાઈ હતી. આવી સ્થિતિમાં, મેચ લગભગ ડ્રો માનવામાં આવી રહી હતી, પરંતુ ભારતીય ટીમે છેલ્લા 2 દિવસમાં આખું ચિત્ર પલટાવી નાખ્યું હતું.