રાજ્ય સરકાર દ્વારા રાત્રીના 12 પછી સવારના પાંચ વાગ્યા સુધી નિયમોને આધીન નવરાત્રિમાં ગરબા રમી શકશેની જાહેરાત કરાઈ છે. સરકારના આ નિર્ણયને આવકારતા રાજકોટના અર્વાચીન ગરબાના આયોજકો સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી. શહેરના જૈનમ રાસોત્સવના મિલન કોઠારીએ જણાવ્યું કે, રાત્રીના 12 પછી ખેલૈયાઓ રમવાના મૂડમાં હશે તો આસપાસના લોકોને નડતરરૂપ ન થાય તેવી રીતે ધીમા સંગીતના સથવારે ગરબા રમાડશું. ગરબા બાદ ડી.જે. સહિતના બેક સ્ટેજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સહિયર રાસોત્સવના સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું કે, રાતના 12 સુધી તો ગરબા ચાલે જ છે. ત્યારે આ વખતે અમે પહેલી વખત બેક સ્ટેજના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા રમ્યા બાદ ખેલૈયાઓને શારીરિક રાહત મળે તે માટે ગરબા પછી મોડે સુધી ગીત-સંગીતના વિવિધ કાર્યક્રમોનું આ વર્ષે આયોજન કર્યું છે.
પ્રિયંકાબેન મોરાણિયાએ જણાવ્યું કે, ગુજરાતીઓ માટે નવરાત્રિનો તહેવાર મહત્ત્વનો છે. ત્યારે રાત્રીના 12 પછી મોડે સુધી નિયમોને આધીન ગરબા રમી શકાશેના નિર્ણયથી ખેલૈયાઓ આનંદમાં આવી ગયા છે. કારણ કે, હવે ગરબા રમવા માટે વધુ સમય મળશે. જ્યારે મીનાક્ષીબેન પીપળિયાએ પણ નિર્ણયને આવકારી કહ્યું કે, અમે વિસ્તારમાં મહિલાઓ, યુવતીઓ માટે ગરબાનું આયોજન કરીએ છીએ. ત્યારે બાર વાગ્યા પછી ધીમા સંગીતના સથવારે ગરબા રમી શકાશેની જાહેરાતથી આ વર્ષે અમે પણ સોસાયટીના લોકોને પરેશાની ન થાય તેવું આયોજન કરી રહ્યા છીએ.