સૌરાષ્ટ્ર-કચ્છમાં દોઢ વર્ષમાં 254 કરોડથી વધુની વીજચોરી ઝડપાઈ

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા દોઢ વર્ષમાં PGVCL દ્વારા અધધ 2.54 અબજ (254 કરોડ)થી વધુની વીજચોરી પકડી પાડવામાં આવી છે, જેમાં અંજારમાં સૌથી વધુ વીજચોરી થતી હોવાનું સામે આવ્યું છે. હવે દરેક જગ્યાએ ડ્રોનથી વીજચોરી પકડવાનું ફુલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વીજમીટરના GPS મેપિંગથી વીજળીની ચોરી પકડી પાડવાનું પણ આયોજન છે. પાવર ચોરી અટકાવવા પીજીવીસીએલ દ્વારા પણ નવું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આ માટે હવે સમગ્ર પ્રદેશના 59 લાખ વીજ ગ્રાહકોના મીટરનું GPS મેપિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની 90 ટકા કામગીરી પૂરી થઈ જતાં હવે કોઈપણ ગ્રાહક પાવર ચોરી કરશે તો તેની સીધી માહિતી વડી કચેરીને મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ PGVCL દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય મળી 12 સર્કલમાં વીજચોરીના આંકડા જાહેર થયા છે, જેમાં છેલ્લા દોઢ વર્ષના 254 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે, જેમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં 5,07,632 વીજમીટરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 81,999 વીજમીટરમાં ચોરી થતી હોવાનું સામે આવતા રૂ. 25382.11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે એપ્રિલ 2024થી ઓગસ્ટ 2024 સુધીમાં 1,13,396 વીજમીટર ચેક કરવામાં આવ્યાં હતાં, જેમાંથી 13,636 વીજમીટરમાં ચોરી થતી હોવાનું સામે આવતાં રૂ. 6727.46 લાખનો દંડ ફટકારી આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *