રાજકોટના બાબરીયા કોલોની પાસે કોઠારીયા રોડ ઉપર આવેલા શ્રધ્ધા પાર્ક નજીક ટાઉનશીપમાં રહેતાં યુવાનના મામાએ અગાઉ પોલીસ કેસ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલુ હોવાથી તેમાં સમાધાન કરી લેવાનું કહી આ યુવાન અને તેના મામાને નામચીન ટિકીટ બંધુ તેમજ બકાલી નામના શખ્સ સહિતે ધમકી આપી છરી બતાવી હતી. આ સાથે જ સોસાયટીમાં ગેરકાયદે પ્રવેશી એક વાહનમાં તોડફોડ કરતાં પોલીસ ફરિયાદ નોંધાય છે. હાથમાં છરી લઈને ધમકી આપી રહેલા શખશો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. જેમાં જોઈ શકાય છે કે, કારમાં આવેલા શખ્સો સિક્યુરિટી ગાર્ડને ધમકી આપે છે. જેમાં એક શખ્સના હાથમાં છરી દેખાઈ રહી છે. આ ઉપરાંત એક બાઇકમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલિસે તપાસ હાથ ધરી છે.
કોર્ટમાં ચાલતો કેસ પરત લેવા ધમકી આપી આ બનાવમાં પોલીસે બાબરીયા કોલોની પાસે શ્રધ્ધા પાર્ક કવિ કલાપી ટાઉનશીપ ચોથા માળે વીંગ એ-401માં રહેતાં અને છુટક મજૂરી કરતાં સુરજ કાળુભાઈ મોરી (ઉં.વ.25)ની ફરિયાદ પરથી નામચીનની છાપ ધરાવતાં અને નાની-મોટી ટિકીટ તરીકે ઓળખાતા બે ભાઇઓ જીજ્ઞેશ ઉર્ફ બાવકો અરવિંદભાઇ ગોહેલ, દિનેશ ઉર્ફ બચુ અરવિંદભાઇ ગોહેલ તેમજ ચિરાગ ઉર્ફ બકાલી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.