રાજકોટમાં ઢેબર રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસે યુવાન પર બુટલેગર અને તેના પુત્રે હુમલો કરી ઢસડીને લઈ જઈ બેફામ માર માર્યો હતો.સાથોસાથ ધમકી આપી હતી કે તને મારીને દાટી દઈશ પોલીસવાળાને હું દારૂ વેચવાના હપ્તા આપું છું મને કોઈ કાંઈ કરી શકશે નહીં.બુટલેગરની પુત્રીએ યુવાનને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ અંગે બુટલેગર કાના ગઢવી તેના પુત્ર અને પુત્રી વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પુનિતનગર શેરી નંબર-1 ગોંડલ ચોકડી પાસે રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરનાર સંજય કનુભાઈ પીઠવા (ઉ.વ 41) નામના યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાના ગઢવી તેના પુત્ર અને પુત્રીના નામ આપ્યા છે.વધુમાં યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગઈકાલે બપોરના રાજકમલ પેટ્રોલ પંપની સામે ઢેબર રોડ પર અટિકા ફાટક પાસે કેબીને તેના મિત્રો સાથે વાત કરતો હતો. ત્યારે ઓચિંતા તેને માથામાં પ્લાસ્ટિકનો પાઇપ ફટકાર્યો હતો.જેથી તેણે જોતા આ શખસ આ વિસ્તારમાં રહેતા અને દારૂનો ધંધો કરનાર કાનાભાઈ ગઢવીનો દીકરો હોવાનું માલુમ પડ્યું હતું. જ્યાં કાના ગઢવીએ યુવાનને ગાલ પર ફડાકા માર્યા હતા.જેથી યુવાને કહ્યું હતું કે મને મારો નહીં હું પોલીસમાં ફરિયાદ કરીશ.આ સાંભળી કાના ગઢવીએ કહ્યું હતું કે તને મારીને દાટી દઈશ, પોલીસવાળાને હું દારૂ વેચવાના હપ્તા આપું છું જે મને કોઈ કાંઈ કરી શકશે નહીં. આ દરમિયાન કાનાની દીકરી અહીં આવી હતી અને તેણે યુવાનનો કાંઠલો પકડી કહ્યું હતું કે,તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશ. બાદમાં યુવાને આ લોકોને આજીજી કરતા તેને જવા દીધો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ત્રણેય આરોપીઓ સામે મારામારી અને ધમકી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.