શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા આડેસરા પરિવારના નવ સભ્યએ ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મુંબઇના બે વેપારીઅે સોનાના ઘરેણાંના વ્યવહારના રૂ.1.95 કરોડ નહીં ચૂકવતા આર્થિક ખેંચ સર્જાઇ હતી અને તે કારણે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે પોલીસે આગામી દિવસોમાં મુંબઇના બંને વેપારીની પૂછપરછ કરશે. ગુંદાવાડીના ગોવિંદપરામાં રહેતા લલિતભાઇ વલ્લભદાસ આડેસરા સહિત પરિવારના નવ સભ્યે શુક્રવારે રાત્રે ઊધઇ મારવાની દવા સાથે ગટગટાવી હતી. હોસ્પિટલના બિછાનેથી ચેતનભાઇ આડેસરાએ કહ્યું હતું કે, પોતે સોની બજારમાં પેઢી ધરાવે છે અને મુંબઇના કાલબાદેવી વિસ્તારમાં પેઢી ધરાવતાં પ્રશાંત પોસ્ટુરે અને મુંબઇ ઝવેરી બજારમાં માહી ગોલ્ડ નામે પેઢી ધરાવતાં વિજય કૈલાશજી રાવલને 3 ઓગસ્ટ 2023થી 15 ડિસેમ્બર 2023 સુધીમાં 6481 ગ્રામ સોનાના દાગીના મોકલ્યા હતા. જેના બદલામાં તેમને રૂ.3478 ગ્રામ ઘરેણાંના નાણાં મળ્યા હતા, પરંતુ બાકીના રૂ.1,95,49,347 નહીં ચૂકવતા આડેસરા પરિવાર આર્થિક સંકડામણમાં ફસાયો હતો અને અંતે કંટાળીને સામૂહિક આપઘાતની કોશિશ કરી હતી. ચેતનભાઇ આડેસરાએ ચાર દિવસ પહેલાં ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી હતી અને તેમાં મુંબઇના ઉપરોક્ત બંને વેપારીએ રૂ.1.95 કરોડ નહીં ચૂકવી છેતરપિંડી કર્યાનું કહ્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાંચના પીઆઇ મેહુલ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, ચેતનભાઇ આડેસરાએ અરજી આપી છે. જોકે તેમની સાથે જરૂરી પુરાવા તેમના તરફથી મળ્યા નથી. વેપારી પરિવારના 9 સભ્યને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ ચેતનભાઇ સહિતનાઓના નિવેદન નોંધવામાં આવશે અને જરૂર પડ્યે મુંબઇના વેપારીની પૂછપરછ કરાશે.