શહેરની ભાગોળે મોરબી રોડ પર રહેતા ટ્રાન્સપોર્ટર પર 10થી 12 શખ્સોએ હુમલો કર્યો હતો. ટ્રાન્સપોર્ટરને છરીનો ઘા ઝીંક્યા બાદ તેની કારમાં ધોકા-પાઇપના ઘા ઝીંકી તોડફોડ કરી હતી. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
મોરબી રોડ પરની જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા અને નાગબાઇ ટ્રાન્સપોર્ટ નામે ઓફિસ ધરાવતાં ગૌતમ હિન્દુભાઇ બાંભવા (ઉ.વ.22)એ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ ઉર્ફે ગઇઢો બોહકિયા, દકો, દકાનો ભાઇ કિશન, વિરેન કોળી, બુધો કોળી, વિશાલ ઉર્ફે ટકો કોળી તથા અન્ય અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. ગૌતમ બાંભવાઅે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.18ના તેમના ઘર નજીક રવિ ઉર્ફે ગઇઢો બોહકિયા ગાળો બોલતો હોય ગૌતમના પિતા હિન્દુભાઇએ તેને ગાળો બોલવાની ના કહેતા રવિએ ઉશ્કેરાઇને હિન્દુભાઇને ગાળો ભાંડી હતી. આ બાબતે હિન્દુભાઇએ તેના પુત્ર ગૌતમને જાણ કરી હતી.