નવરાત્રિ શરૂ થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શક્તિની ભક્તિમાં લીન થવા બાળાઓ આતુર જોવા મળી રહી છે. રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકઝમાળ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીનું મહત્ત્વ યથાવત્ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટના મવડીચોક ખાતે થતો સળગતી ઈંઢોણીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેતો હોય છે. આ રાસ માટે બાળાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. TRP ગેમઝોન અગ્નિકાંડ પછી આયોજકો પણ સતર્ક બન્યા છે અને તેઓ પણ માત્ર નવરાત્રિ જ નહિ, પરંતુ આ રાસની પ્રેક્ટિસ દરમિયાન પણ ફાયર સેફ્ટીનાં સાધનો સાથે રાખી બાળાઓને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે.
રાજકોટના વિવિધ વિસ્તારોમાં આજે પણ પ્રાચીન ગરબીનું મહત્ત્વ અને આયોજન જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરના મવડીચોક વિસ્તારમાં શ્રીબજરંગ ગરબીમંડળ દ્વારા છેલ્લાં 16 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ 17મા વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના નવેય દિવસ અહીં હજારોની સંખ્યામાં ભાવિકો માઁની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે.