રેસકોર્સ રિંગ રોડ પર બુધવારે સવારે વોકિંગમાં નીકળેલો યુવક એસટી બસની ઠોકરે ચડી જતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું ગુરુવારે મૃત્યુ થતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. પુત્રના મૃત્યુથી પિતા આઘાતમાં સરી પડતા બેભાન થઇ ઢળી પડતા દાખલ કરવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
રેલનગરમાં રહેતો નેમિષ દિલીપભાઈ હિરાણી (ઉ.વ.24)નામનો યુવક બુધવારે સવારે આઠેક વાગ્યાના અરસામાં રેસકોર્સ રિંગ રોડ પર વોકિંગ કરવા નીકળ્યો હતો ત્યારે કનકાઈ હોટેલ પાસે જામનગર-સુરત રૂટની એસ.ટી.બસની ઠોકરે ચડી જતા દૂર સુધી ફંગોળાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત સર્જાતા સવારે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને વોકિંગ કરવા નીકળતા લોકો દોડી ગયા હતા અને યુવકને તાકીદે 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ઘવાયેલા યુવકે ગુરૂવારે સારવાર દરમિયાન સવારે અંતિમ શ્વાસ લીધો હતો. પુત્રના મૃત્યુ અંગેની તેના પિતા દિલીપભાઈને જાણ થતા આઘાતમાં બેભાન થઇ જતા તાકીદે સારવાર માટે ખસેડાયા હતા. મૃતક યુવક બે ભાઇમાં નાનો હતો અને સવારથી બપોર સુધી ડેરીમાં અને સાંજે રેસકોર્સ રિંગ રોડ પર આવેલી રાજદીપ આઈસ્ક્રિમમાં નોકરી કરતો હતો.