સૌરાષ્ટ્રમાં ગઇકાલે પ્રથમપૂજ્ય, વિઘ્નહર્તા, મંગલકારી ગણપતિ ભગવાનના 11 દિવસના મહોત્સવની ભાવભરી વિદાય અને વિસર્જન સાથે ધામધૂમથી પૂર્ણાહુતિ થઈ હતી. લોકોમાં એક જ સ્થળે ભારે ભીડ વચ્ચે ધસારો કરીને વિસર્જનનું વલણ હવે બદલાયેલું જોવા મળ્યું હતું અને તેમાં રાજકોટમાં ગત વર્ષે ફાયરબ્રિગેડ-પોલીસે નક્કી કરેલા સ્થળોએ 6,328 પ્રતિમા સામે આ વર્ષે 3,476 પ્રતિમાનું આજે અનંત ચતુર્દશીની રાત્રિ સુધીમાં વિસર્જન થયાનું સામે આવ્યું છે એટલે કે આ વર્ષે નક્કી કરાયેલા સ્થળો ઉપરાંત અલગ અલગ સ્થળે વિસર્જન કરાયું હોય શકે તે વાત નિશ્ચિત છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણેશોત્સવનું પર્વ શ્રધ્ધાભાવ સાથે સંખ્યાબંધ શ્રધ્ધાળુ ભાવિકો પરિવારો દ્વારા ઉજવાયા બાદ ગઇકાલે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન જળાશયોનાં કાંઠે ભાવપુર્વક કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે દુંદાળા દેવને વિદાય આપતી વખતે અનેક શ્રધ્ધાળુ ભાવિકોની આંખોમાં અશ્રુનાં તોરણ બંધાયા હતાં. બીજી તરફ ફાયરબ્રિગેડ દ્વારા રાજકોટમાં આ વખતે 8 સ્થળોએ વિસર્જન માટે તૈયારીઓ કરવામાં આવી હતી. જ્યાં ફાયરબ્રિગેડનો તથા પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને આ સ્થળો પૈકી ક્યાંય કોઈ દુર્ઘટના સર્જાઇ હોવાનું પણ સામે આવ્યું નથી.