જૈન સમાજના સોનમ નવનાત ગરબા, નવે નવ દિવસ સ્ત્રીશક્તિનું સન્માન કરાશે

નવરાત્રિ મહોત્સવની ધાર્મિક ઉજવણી કરવાની સાથે સાથે રાજકોટમાં જૈન સમાજના સોનમ નવનાત ગરબામાં સામાજિક સંદેશો આપતી ઉજવણી કરવામાં આવશે. જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા આ વર્ષે સોનમ નવનાત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નવે નવ દિવસ સ્ત્રીશક્તિનું સન્માન કરવામાં આવશે. આ નવરાત્રિ મહોત્સવમાં સમાજના અંદાજિત બે લાખ લોકો ભાગ લેશે. તેમ જૈન વિઝન ક્લબના મિલનભાઈ કોઠારીએ જણાવ્યું છે. ગ્રાઉન્ડ પર ડોક્ટરોની ટીમ પણ રહેશે. મિનિ હોસ્પિટલ ઉપરાંત પ્રાથમિક આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.

આ નવરાત્રિ મહોત્સવ 150 ફૂટ રિંગ રોડ ખાતે યોજાશે. નવરાત્રિ મહોત્સવમાં બહેનોને વિનામૂલ્યે રમવા દેવામાં આવશે. તેમજ મહિલા સુરક્ષાને ધ્યાને રાખીને બાઉન્સરો ઉપરાંત સમાજના કાર્યકર્તા ભાઈઓ-બહેનોની આખી ટીમ ઊભી કરવામાં આવશે.નવનાતની અંદર જે નાત આવે છે એમાં સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથી, સોની સમાજ, સોની વણિક સમાજ, મોઢ વણિક, સોરઠિયા વણિક સહિતની અનેક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અભિયાન ચલાવવામાં આવે છે. તેમજ સમાજના આરોગ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની શિબિરનાં માધ્યમથી આધ્યાત્મિક અને ધાર્મિક જ્ઞાન આપવામાં આવે છે.નવરાત્રિ મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ માટે અનુદાન પણ ભેગું કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *