રાજકોટનાં કાલાવડ રોડ ઉપર આવેલા આંબેડકર કન્યા છાત્રાલયમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓ રહે છે. જોકે, અહીં નબળી ગુણવતાવાળુ ભોજન અને સફાઈનો સદંતર અભાવ જોવા મળે છે. ત્યારે પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં વિદ્યાર્થિનીઓ દ્વારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ફોટા અને વીડિયો સાથેના પુરાવા આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ હોસ્ટેલમાં સાફ-સફાઈ માટે દર વર્ષે લાખ રૂપિયા ખર્ચે છે અને ભોજન પાછળ પણ નાણા ખર્ચવામાં આવે છે. પરંતુ અહીં ભારે ગંદકી જોવા મળે છે અને ભોજનમાં રોટલી સહિતની વસ્તુઓની નબળી ગુણવતા નજરે પડે છે. જેમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે તે જરૂરી છે.
શહેરમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત આંબેડકર કન્યા સરકારી છાત્રાલયમાં અંદાજે 100થી વધારે દીકરીઓ રહે છે. ઘણા સમયથી આ વિદ્યાર્થિનીઓની ફરિયાદ છે કે, છાત્રાલયમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે હોસ્ટેલમાં યોગ્ય રીતે સફાઈ થતી નથી. હોસ્ટેલમાં ઘણાં લાઈટ-પંખા પણ બંધ છે. ખાસ તો જમવાનું પણ ખરાબ ગુણવત્તા વાળું તેમને આપવામાં આવે છે. આ બાબતે વારંવાર વિદ્યાર્થિનીઓ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું પણ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. જેથી આપને વિનંતી કરીએ છીએ કે, જે જેમને કોન્ટ્રાક્ટરને આપેલો છે, તેમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ ચલાવતી એજન્સી પર પણ પગલાં લેવામાં આવે અને કોઈ અન્ય સારી એજન્સીને આ કોન્ટ્રાકટ આપવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સારું ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે.