શહેરના માર્ગો પર 12000થી વધુ ખાડા, રૂ.77 કરોડની ગ્રાન્ટ મગાઈ

રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાડા પડ્યા છે. આ કારણે શહેરવાસીઓ ભારે પરેશાન થયા છે. ખાડા બૂરવાનું કામ ચાલુ તો કરાયું છે પણ હાલ ફક્ત થીગડાં લાગી રહ્યા છે. જો યોગ્ય રીતે રિપેરિંગ કરવું હોય તો અધધ 77 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે જેથી ગ્રાન્ટની માગણી સરકારમાં કરવામાં આવી છે.

મનપાએ શહેરી વિકાસ વિભાગમાં ચીફ એન્જિનિયરને પત્ર લખીને શહેરના માર્ગોની સ્થિતિ જણાવી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, શહેરના 207 કિલોમીટરના રસ્તા કે જેમાં રાજમાર્ગો અને મુખ્યમાર્ગો છે તેમાં 12000થી વધુ ખાડા પડ્યા છે. 36 કિ.મી. જેટલો રોડ પ્રભાવિત થયો છે. આ ઉપરાંત 150 ફૂટ રિંગ રોડ (બીઆરટીએસ) તેમજ નવો રિંગ રોડ પણ ખાડાઓને કારણે પ્રભાવિત થયા છે તેથી ત્યાં અમુક હિસ્સાઓમાં તો રોડ જ નવો બનાવવો પડે તેવી સ્થિતિ છે. આ કારણે રાજકોટ શહેરને 77.61 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મગાય છે. જોકે આ ગ્રાન્ટ જૂના રોડ માટે જ માગવામાં આવી છે જે રસ્તાઓ નવા બન્યા છે અને ગેરંટીવાળા છે તે રિપેર કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે તેથી આવા કેટલા રોડ પણ ખાડા છે તેની પણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. ગેરંટીવાળા રોડ પર જો મનપાની કોઇ સુવિધાને કારણે ખોદકામ કરાયું હશે તો તેવા કિસ્સામાં આસપાસમાં ખાડા પડે તો તેનો ખર્ચ પણ મનપાની માથે જ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *