ચોર ગઠિયાઓ કોઇને કોઇ રીતે પોતાના ઓપરેશન પાર પાડતા હોય છે, આવું જ કંઇક મોરબી રોડ વિસ્તારમાં પ્રૌઢ સાથે બન્યું હતું. ઓટલા પર બેઠેલા પ્રૌઢ પાસે આવી સરનામું પૂછવાના બહાને વાતચીત કરી ગઠિયો પ્રૌઢે બાજુમાં રાખેલો રૂ.73900નો મોબાઇલ સેરવીને નાસી ગયો હતો.
મોરબી રોડ પર શાળા નં.77 પાસે દયાલ મિલ નજીક રહેતા અને કડિયાકામ કરતાં મુકેશભાઇ શામળદાસ રાઠોડ ગત તા.5ના સવારે આઠેક વાગ્યે પોતાના ઘરેની બહાર ઓટલા પર બેઠા હતા ત્યારે એક શખ્સ તેમની પાસે આવ્યો હતો અને મોરબી રોડ જકાતનાકા પાસે જવું છે તો એડ્રેસ જણાવો. અજાણ્યા શખ્સને મદદરૂપ થવાના શુભ આશયથી મુકેશભાઇ કઇ દિશામાં જવું તે સમજાવા લાગ્યા હતા. મુકેશભાઇ સરનામું જણાવવામાં વ્યસ્ત હતા તે વખતે તે ગઠિયાએ મુકેશભાઇ જે ઓટલા પર બેઠા હતા તે ઓટલા પર રાખેલો રૂ.73900નો મોબાઇલ સેરવી લીધો હતો. પોતાનું કામ પૂૂર્ણ કરી ગઠિયો ત્યાંથી રવાના થઇ ગયો હતો. મુકેશભાઇને કામ પર જવાનો સમય થતાં તેઓ ઓટલા પરથી ઉઠ્યા હતા અને મોબાઇલ લેવા જતાં જ ત્યાં મોબાઇલ જોવા મળ્યો નહોતો. જેથી ગઠિયો જ ખેલ પાડી ગયાનું તેમને સ્પષ્ટ થયું હતું. પ્રૌઢે ગઠિયો જે દિશામાં ગયો હતો તે દિશામાં તપાસ કરી હતી, પરંતુ તે હાથ આવ્યો નહોતો. અંતે પોલીસે આ મામલે ગુનો નોંધી રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.