રાજ્યમાં આજે બે અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. ગાંધીનગર જિલ્લામાં મર્સિડીઝના ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી ત્રણ વાહનોને અને મરણપ્રગંસે જતી વખતે રસ્તા પર ઊભેલી બે મહિલાઓને અડફેટે લેતા બે મહિલાનાં મોત થયાં છે. જ્યારે અન્ય વાહનચાલકોને ઈજા થતા સારવાર માટે ખસેડાયા છે. તેમજ બીજો અકસ્માત મોરબી જિલ્લાના વાંકાનેર નેશનલ હાઈવે પર થયો છે. જેમાં આખલો આડે આવતા ડમ્પરચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ડમ્પર અર્ટિગા કાર પર પડ્યું હતું. જેમાં કારચાલક અને ડમ્પરમાં સવાર બે લોકો મળી કુલ ત્રણનાં મોત થયાં છે. જ્યારે અન્ય બેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ગાંધીનગરના મહુડી હાઈવે પર ઉનાવા ગામના પાટિયા પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી મર્સિડીઝના ચાલકે પિકઅપ ડાલાને ટક્કર મારી હતી. ત્યારબાદ પણ કાર અટકી ન હતી અને નજીકમાં ચાની કીટલી પાસે ઊભેલી બે મહિલાને અડફેટે લીધા બાદ કીટલી સાથે અથડાઈ હતી. ત્યારબાદ એક બાઈક અને ફન્ટી કાર સાથે અથડાઈ હતી. મર્સિડીઝના ચાલકે કુલ ત્રણ વાહનો, ચાની કીટલી અને બે મહિલાઓને અડફેટે લીધાં હતાં. જેમાં બંને મહિલાઓનાં મોત નીપજ્યાં હતાં.