શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચડ્ડી-બનિયાનધારી ટોળકી બેકાબૂ બની હોય તેમ લોધિકાના વિરવા ગામે સિધ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શુક્રવારે વહેલી સવારે ચડ્ડી-બનિયાનધારી ટોળકીએ એક પેટ્રાેલ પમ્પ અને છ કારખાનામાં તાળાં તોડી લાખોની રોકડની ચોરી કરી ગયાની જાણ કરતા જિલ્લા એલસીબી અને લોધિકા પોલીસે ઘટનાસ્થળે પહેાંચી તપાસ કરતા કેટલાક કારખાનામાંથી લાખોની રોકડની ચોરી થયાનું બહાર આવ્યું હતું તેમજ પેટ્રોલ પમ્પમાં ચોરીની કોશિશ થઇ હોય પોલીસે ગુનાે નોંધવાની તેમજ સીસીટીવીમાં કેદ ટોળકીને પકડી લેવા મથામણ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લોધિકાના વિરવા ગામે રિધ્ધિ સિધ્ધિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ચડ્ડી બનિયાનધારી ટોળકીએ ન્યારા પેટ્રોલ પમ્પ અને છ કારખાના તાળાં તોડી ચોરી કરી ગયાની જાણ થતા એલસીબીના પીઆઇ ઓડેદરા તેમજ લોધિકાના પીએસઆઇ પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બે કારખાનામાંથી એકાદ લાખની ચોરી થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું તેમજ વધુ તપાસમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હોય પોલીસે ગુનો નોંધવાની તેમજ ટોળકીને પકડી લેવા કાર્યવાહી કરી હતી.