રાજકોટ મહાપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા નહીં હોવાનું સ્મશાન સંચાલકનું કહેવું છે. આમ કાગળ ઉપર સ્મશાનમાં મોકલેલા લાકડા સ્મશાન સુધી નહીં પહોંચતા આજે કોંગ્રેસના નેતાઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે લાકડા લઈને પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, મહાનગરપાલિકાના શાસકોને સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે. આ સમયે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા 10 દિવસમાં તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંયેધરી આપવામાં આવી હતી. આ સમયે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રકઝક અને ધક્કામુક્કી થઈ હતી. હાલ વૃક્ષોના લાકડાના નિકાલને જવાબદારી જેમને સોંપવામાં આવી છે તે સોમનાથ એજન્સી અને જય કન્સ્ટ્રક્શન સામે સવાલો ઊભા થયા છે.
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા બે મહિનાથી કૌભાંડોએ માઝા મૂકી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, ખરાબ રસ્તાઓ કે ડ્રેનેજનું કૌભાંડ સામે આવેલું છે અને હવે તો સ્મશાનના લાકડાને પણ કૌભાંડીઓએ મૂક્યા નથી. જેથી અમે અહીં લાકડા લઈને રજૂઆત કરવા આવ્યા છીએ. જ્યારે મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના શાસકો કાયમ પોલીસને આગળ કરે છે. અમે એવું કહેવા માગીએ છીએ કે, અત્યારસુધી ઘણા બધા કૌભાંડો થયા પરંતુ હવે સ્મશાનના લાકડાઓને તો છોડો. જેથી અમે એવું કહેવા માગીએ છીએ કે, મહાનગરપાલિકાના શાસકોને મૃત્યુ બાદ સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે. આ સમયે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને કોંગ્રેસના મહિલા અગ્રણી નયનાબા જાડેજા સહિતનાને પોલીસે ધક્કે ચડાવી રજૂઆત કરતા અટકાવતા તેમને રોષ વ્યક્ત કર્યો હતો.