રાજ્ય સરકારના નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ કચેરી દ્વારા નવો પરિપત્ર જારી કરાયો છે જે મુજબ મિલકતની બજાર કિંમત નક્કી ન કરી શકવાના અથવા સ્ટેમ્પ ડ્યૂટી નક્કી ન કરી શકવાના કિસ્સામાં સ્ટેમ્પ ડ્યૂટી કલમ-32-ક(1) અને કલમ-33 મુજબ હવેથી દસ્તાવેજો પેન્ડિંગ રાખી શકાશે. આ પરિપત્રની સૂચનાઓના અમલમાં બેદરકારી દાખવનાર સબ રજિસ્ટ્રાર સમક્ષ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. તેમજ અમલ 9-9-2024થી કરવાનો રહેશે.
નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવેન દ્વારા મંગળવારે જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું હતું કે, સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા નોંધણી અધિનિયમ-1908 અને ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઇ હેઠળ નોંધણી કરવામાં આવતા દસ્તાવેજોને મુલતવી રાખવા બાબતે સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ પરિપત્રથી નોંધણી અર્થે રજૂ થતા દસ્તાવેજમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરેલ ન હોય તો સબ રજિસ્ટ્રાર દ્વારા ગણતરી ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરવા માટે પક્ષકારને જાણ કરવા તથા જે દસ્તાવેજો પરત્વે તેના પ્રકાર નક્કી કરવામાં કે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરી કરી શકાય તેમ ન હોય અથવા લેખને અનુવર્તી દસ્તાવેજમાં (અગાઉનો દસ્તાવેજ) સ્ટેમ્પ ડ્યૂટી ખૂટતી હોય તો ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958 મુજબ ભરવાપાત્ર થતી યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત માટે નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરવા પક્ષકારને જણાવવાનું રહેશે તે મુજબની સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે.