ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી આગામી તા.24 સપ્ટેમ્બરે થવાની છે. ચૂંટણીમાં નવ બેઠક પર 55 મુરતિયાએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવ્યા બાદ મંગળવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી (સ્ક્રૂટિ)ની કરવામાં આવી હતી. જેમાં બી.એડ. કોલેજના આચાર્યની બેઠક પર રાજકોટના ડૉ.નિદત બારોટ બિનહરીફ થયા છે. બી.એડ. કોલેજના પ્રિન્સિપાલની બેઠક પર ડૉ.બારોટ ચાર ટર્મથી ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 3 વખત તેઓ બિનહરીફ વિજેતા થાય છે. આ વર્ષે પણ કુલ સભ્યોમાંથી એકમાત્ર બી.એડ.ના આચાર્યની બેઠક બિનહરીફ થઇ છે. આ બેઠક પર અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ રજૂ કર્યા ન હતા.
હવે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. દરમિયાન શિક્ષણ બોર્ડની ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક પર બે ઉમેદવારએ ત્રણ ફોર્મ ભર્યા હોય આ બેઠક પણ બિનહરીફ થવાની શકયતા રહેલી છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ફોર્મ સંચાલક મંડળની બેઠક પર 14 ઉમેદવારએ ભર્યા છે. બોર્ડની 9માંથી એક બેઠક બિનહરીફ થતા હવે આઠ બેઠક પર ચૂંટણી થાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. જોકે હજુ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોય આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.