રવિવારે રજાના દિવસે મ્યુનિસિપલ કમિશ્નર દેવાંગ દેસાઈ 150 ફુટ રોડ પર દોડતી બીઆરટીએસ બસ સેવાના ચેકીંગમાં એકાએક પહોંચ્યા હતા. તેઓએ સામાન્ય મુસાફરની જેમ સૌ પહેલા બસની ટીકીટ લીધી હતી. બાદમાં તેમણે નાનામવા ચોક બસ સ્ટોપમાં ચકાસણી કરી હતી. આ દરમ્યાન ટીકીટ મશીન ન ચાલવા સહિતની ઘણી ઈલેક્ટ્રીકલ અને ટેકનીકલ ક્ષતિઓ ધ્યાન પર આવી હતી. બીઆરટીએસમાં સીસીટીવી કેમેરા નથી તો સ્ટાફની પણ બેજવાબદારી જોવા મળી હતી. આ સ્થિતિ અંગે બાદમાં તેઓએ અધિકારીઓને સૂચના આપતા દોડધામ થઇ ગઇ હતી. આરઆરએલના વડા સીટી ઇજનેર વાય.કે.ગૌસ્વામી સહિતના અધિકારીઓ પણ બાદમાં તાત્કાલીક જરૂરી ચકાસણી અને કાર્યવાહીમાં લાગ્યા હતા. આ તમામ મેન્ટેનન્સની જવાબદારી જેમના પર છે તે 6 સુપરવાઇઝરને નોટીસ આપી ખુલાસા પૂછવામાં આવ્યા છે. આઇટી વિભાગને પણ જાણ કરવામાં આવી છે. ઉપરાંત ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સેલ દ્વારા રજાના દિવસમાં પાર્કિંગ સાઇટ સાફ કરાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. રજાના દિવસે બસ સેવાનું કોઇ કમિશનરે પ્રથમ વખત ચેકીંગ કર્યુ હતુ.