રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક પાસે આવેલો સાંઢિયા પૂલનુ નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોવાથી ફોર વ્હીલર અને રિક્ષા સહિતનાં મોટા વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવેલી છે. પરંતુ જો કોઈ કારચાલક દ્વારા કોઈને ભલામણનો ફોન કરવામાં આવે તો તેઓને બેરોકટોક જવા દેવામાં આવે છે. દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમ જ્યારે અહીં પહોંચી તો એક લાલ રંગની નંબર પ્લેટ વિનાની કાર કે જેમાં પોલીસની નેમ પ્લેટ રાખેલી હતી. કારમાં બેસેલો યુવાન ચાલુ કારે ફોનમાં વાત કરતો હોવા છતા તેને ટ્રાફીક પોલિસે કોઈ પણ પ્રકારનો દંડ કર્યા વિના જવા દેવામાં આવતા આશ્ચર્ય થયુ હતુ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક પાસે આવેલા સાંઢીયા પૂલનુ રૂ. 62.05 કરોડના ખર્ચે નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. જેથી અહીં 2 વર્ષ સુધી માધાપર ચોકડીથી આવતા ફોર વ્હીલર-થ્રી વ્હીલર સહિતનાં મોટા વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. જેનું જાહેરનામુ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. પરંતુ અહીં દરરોજની પરિસ્થિતિ એ છે કે, ફોર વ્હીલર સહિતનાં મોટા વાહનો પસાર થાય છે.સાંઢીયા પૂલ પાસે રેલનગર બ્રિજ જવાના ચોક પાસે માધાપર ચોકડીથી આવતી ફોર વ્હીલર સહિતના મોટા વાહનોને ટ્રાફિક જવાનો દ્વારા રોકવામાં તો આવે છે. પરંતુ બાદમાં કારચાલક કોઈને ભલામણનો ફોન કરતા તુરંત ત્યાંથી જવા દેવામાં આવે છે. જેનાથી વધુ ટ્રાફિકજામ થાય છે.