રાજકોટ શહેરમાં જન્માષ્ટમીનાં 4 દિવસ પડેલા ભારે વરસાદથી અનેક સ્થળે ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પરંતુ છેલ્લા ચારેક દિવસથી વરસાદનો છાંટો પણ નહીં પડવા છતાં કેટલાક સ્થળોએ ભૂગર્ભ સહિતનાં પાણીની નદીઓ વહેતી જોવા મળી રહી છે. રાજકોટનાં શીતલ પાર્ક ચોકમાં પણ ભૂગર્ભ સહિતનાં પાણી વહેતા લોકો પરેશાન થઈ રહ્યા છે. બે મહિનાથી અહીં ડીઆઈ પાઈપલાઈનનો મોટો ખાડો હોવાથી અકસ્માત થવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને મુદ્દે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી છે.
આ અંગેની ફરિયાદ મળતા દિવ્ય ભાસ્કરની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં શીતલ પાર્ક ચોકમાં પાણીની નદી વહેતી જોવા મળી હતી. તેમજ મુખ્ય ચોકની એકબાજુ પાઈપનો ઢગલો, JCB અને 20 ફૂટ જેટલો મોટો ખાડો પણ જોવા મળ્યો હતો. છેલ્લા ચાર દિવસથી વરસાદ ન પડ્યો હોવા છતાં અહીં જાણે પાણીની નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. આ અંગે સ્થાનિકો સાથે વાત કરતા તેઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તેમજ તેમની આ હાલત માટે તંત્રની બેદરકારી જવાબદાર હોય તાત્કાલિક પગલાં લેવાની માગ કરી હતી.