રાજકોટમાં સગર્ભાને પતિની પૂર્વ પત્નીએ પેટમાં લાતો મારતો

રાજકોટના ગોંડલ રોડ પર આવેલી આવકાર સિટીમાં રહેતા સગર્ભા ચાર્મીબેન જીતભાઇ સુંદરવા (ઉ.વ.26) શનિવારે સાંજે પોતાના ઘરે એકલી હતી ત્યારે જીતની પૂર્વ પત્ની નિકિતા નાનજી દવેરા ઘરમાં ઘૂસી ગઇ હતી અને તું કેમ જીત સાથે રહે છે તેમ કહી માથાકૂટ કરી સગર્ભા ચાર્મીને પેટમાં લાતો મારવા લાગી હતી અને ચાર્મીના ગળા પર દુપટ્ટો વીંટી તેને ફાંસો આપવાનો પ્રયાસ કર્યો હતો. સગર્ભા ચાર્મી જીવ બચાવી ભાગવા જતાં નિકિતાએ તેને ધક્કો મારી પછાડી દીધી હતી અને બળજબરીથી તેને ઝેરી પાઉડર પીવડાવી દીધો હતો. ઝેરી દવા પીવડાવવાથી ચાર્મીને ઉબકા થવા લાગતા તેણે દેકારો મચાવતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા. લોકો ટોળે વળતાં નિકિતા દવેરા નાસી ગઇ હતી. ઘટનાની જાણ થતાં સુંદરવા પરિવાર સ્થળ પર દોડી ગયો હતો અને ચાર્મીને હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાને પગલે તાલુકા પોલીસની ટીમ પણ હોસ્પિટલે પહોંચી હતી. બનાવ અંગે ચાર્મીના સાસુ મંજુલાબેન કાંતિભાઇ સુંદરવાએ ફરિયાદ નોંધાવી હતી.

મંજુલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો મોટો પુત્ર જીત અને તેની પત્ની ચાર્મી તેમનાથી અલગ રહે છે. જીત અને ચાર્મીએ સાતેક મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા અને ચાર્મીને હાલમાં પાંચેક માસનો ગર્ભ છે. જીતના પ્રથમ લગ્ન શાપરના નાનજી દવેરાની પુત્રી નિકિતા સાથે થયા હતા અને લગ્નજીવન દરમિયાન પુત્રી નાયરાનો જન્મ થયો હતો જે હાલમાં બે વર્ષની છે. પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતા જીત અને નિકિતાએ છૂટાછેડા લઇ લીધા હતા અને નિકિતા પુત્રી સાથે શાપરમાં તેના પિતા સાથે રહે છે. જીતે ચાર્મી સાથે બીજા લગ્ન કરી લેતા નિકિતા ઉશ્કેરાઇ હતી અને તે જીત તથા ચાર્મીને સતત ફોન કરી છૂટાછેડા લઇ લેવા દબાણ કરતી હતી. ચાર્મીએ છૂટાછેડા નહીં આપતા તે વાતનો દ્વેષ રાખી નિકિતા ધસી ગઇ હતી અને સગર્ભા ચાર્મીને ગળાટૂંપો દઇ તેમજ ઝેરી દવા પીવડાવી હત્યાની કોશિશ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *