રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે ચોમાસામાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે તેમછતાં શહેરનાં અનેક વિસ્તારમાં ખાડા પડી ગયા છે, જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ગૌરવ પથ સમાન કાલાવડ રોડ તેમજ 150 ફૂટ રિંગરોડ સહિત અનેક વિસ્તારમાં મસમોટા ખાડા પડવાને કારણે વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે. રાજકોટનાં સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ત્રણેય ઝોનમાં મળી રોડ-રસ્તા માટે બે વર્ષમાં રૂ. 200 કરોડથી વધુની રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે તેમછતાં રસ્તાની સ્થિતિ સુધરતી નથી. જોકે, સાતમ-આઠમ બાદ વરસાદ નહીં આવે તો રસ્તાઓનું સમારકામ કરવાની ખાતરી સ્ટેન્ડિંગ ચેરમેને આપી છે.
ગૌરવ પથ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામેનાં રોડ ઉપર થોડા સમય પૂર્વે પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. જેથી, એક તરફનો રોડ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પાઈપ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થતાં ડામર રોડની કામગીરી પણ કરાઈ હતી. જોકે, તેમાં થોડો ડામર નાખીને માટી પાથરી દેવામાં આવી હતી. જેના કારણે એક વરસાદમાં રોડની સ્થિતિ બગડી હતી. જોકે હાલમાં ફરીવાર મોરમ પાથરવામાં આવી છે પરંતુ, વરસાદ પડતાં જ ફરી રોડની હાલત બગડે તેવી પૂરી શક્યતા છે.