બીલેશ્વર રાજગઢમાં રહેતા અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં ફરજ બજાવતા તબીબ દિલીપભાઈ જેરામભાઈ જાડા (ઉ.વ.39) ગઈકાલે 9.30 વાગ્યાં આસપાસ ઓપરેશન થીયેટરમાં ફરજ પર હતા. ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં સારવારમાં દમ તોડી દેતા ગમગીની છવાઈ ગઈ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃત તબીબ ત્રણ ભાઈ અને એક બહેનમાં મોટા હતા. તેઓને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તબીબનું પોસમોર્ટમ થયા બાદ પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.