રશિયા અને યુક્રેન વોર વધુ આક્રમક બની રહી છે. અત્યારસુધી રશિયા આક્રમક હતું, હવે યુક્રેન આક્રમક બન્યું છે. રશિયાના છેવાડાના વિસ્તાર પર યુક્રેને કબજો જમાવી લીધો છે અને સતત મિસાઈલ હુમલા કરીને નદી પરના ત્રણ પુલ પણ તોડ્યા છે. અગાઉ બે મોટા પુલ તોડ્યા હતા, પણ મોદી જ્યારે પોલેન્ડ અને યુક્રેન પ્રવાસે જવા રવાના થયા છે ત્યારે યુક્રેને રશિયા પર સતત મિસાઈલ મારો ચાલુ રાખ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત શરૂ કરતાં પહેલાં આ નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું, “હું પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું. મારી આ મુલાકાત પોલેન્ડ સાથે રાજદ્વારી સંબંધોનાં 70 વર્ષ પૂર્ણ થવાના અવસર પર થઈ રહી છે. “પોલેન્ડ મધ્ય યુરોપમાં આપણું આર્થિક ભાગીદાર છે.” ઉલ્લેખનીય છે કે પંડિત જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ એમ ત્રણ વડાપ્રધાનો પોલેન્ડ જઈ ચૂક્યાં છે. હવે 45 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ જઈ રહ્યા છે.
યુક્રેનની મુલાકાત અંગે પીએમએ કહ્યું હતું કે તેઓ યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ પર રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તેમનાં મંતવ્યો શેર કરવા આતુર છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, પીએમ મોદી 21-23 ઓગસ્ટ સુધી પોલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. પીએમ મોદી 23 ઓગસ્ટે ટ્રેનમાં યુક્રેન જવા રવાના થશે.