હાલ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સારી મેઘમહેર વરસી છે. જોકે, રાજકોટ શહેર પર મેઘરાજા નારાજ હોય તેમ જોઈએ તેવો વરસાદ નહીં પડતા ભર ચોમાસે પણ રાજકોટને નર્મદાનો સહારો લેવો પડયો છે. જેમાં મનપા દ્વારા આજી અને ન્યારી ડેમમાં દોઢેક મહિનો ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં સાવચેતીના ભાગરૂપે આજી-1 ડેમમાં 400 તેમજ ન્યારી ડેમમાં 350 મળી કુલ 750 MCFT પાણી આપવા રાજ્ય સરકારને પત્ર લખી માગ કરવામાં આવી હતી. જે અંતર્ગત સિંચાઈ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં 132 MCFT પાણી ઠલવાઇ જતા આજીડેમની સપાટી 21 ફૂટને પાર પહોંચી છે. ચાલુ મહિનાના અંત સુધી આજીડેમમાં દૈનિક 20 MCFT જેટલું પાણી ઠાલવવામાં આવશે. ત્યાર બાદ ન્યારી ડેમમાં નર્મદાનાં નીર આપવામાં આવશે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના આજી-1 ડેમમાં હાલમાં 388 MCFT અને ન્યારી-1માં હાલ 382 MCFT નીર છે. જે આગામી દોઢેક માસ ચાલી શકે તેમ હોવા છતાં સૌનીથી નીર માગવા માટે પુરતો સમય આપવો જરૂરી હોવાથી વરસાદની રાહ જોયા વગર મનપાએ સરકારને પત્ર પાઠવ્યો હતો. અને આજી-1માં 400 તેમજ ન્યારી ડેમમાં 350 MCFT મળી ઓગસ્ટમાં સૌની યોજનાથી વધુ 750 એમ.સી.એફ.ટી. (મિલીયન ક્યુબિક ફૂટ) નર્મદા નીરની માગણી કરતો પત્ર રાજ્ય સરકારને લખાયો હતો.