રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના 28 શિક્ષકને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -2024’થી સન્માનિત કરાશે જેમાં સૌરાષ્ટ્ર ઝોનના 6 શિક્ષકનો સમાવેશ થાય છે. જેમાં પ્રાથમિક વિભાગના આશિષ રામાણી, સંજય મકવાણા, અશોક કાંજિયાનો સમાવેશ થાય છે. જ્યારે માધ્યમિક વિભાગમાં હિતેષ ભૂંડિયા, ચંદ્રિકાબેન ચૌહાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એચટાટ મુખ્ય શિક્ષકના વિભાગમાં શંકરસિંહ બારિયાને એવોર્ડ મળશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યના શિક્ષકોને દર વર્ષે પસંદગી કરીને તેમને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. ગયા વર્ષે સૌરાષ્ટ્રના 8 સહિત 35 શિક્ષકને એવોર્ડ મળ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ આપવાની યોજના વર્ષ-2022થી અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગનાં ત્રણ એચટાટ (મુખ્ય શિક્ષક) અને પ્રાથમિક વિભાગના 14 શિક્ષક, માધ્યમિક શિક્ષણ વિભાગના 06 શિક્ષક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 04 આચાર્ય તેમજ એક બી.આર.સી. કોર્ડિનેટર એમ મળીને કુલ 28 શિક્ષકને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -2024’થી સન્માનિત કરવામાં આવશે. શિક્ષણ વિભાગે ત્રણ ઝોન બનાવ્યા છે જેના આધારે કેટેગરી વાઈઝ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.