રક્ષાબંધનના પવિત્ર તહેવારને માત્ર બે દિવસ બાકી છે. ભાઈ-બહેનનાં પ્રેમના પ્રતીક સમાન આ તહેવારની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે રક્ષાબંધન નિમિતે રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં શાળાના છાત્રો અને શિક્ષકો દ્વારા બિગેસ્ટ ફૂડ રાખી ફેસ્ટિવલનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ હાઈસ્કૂલનાં છાત્રોએ પોકેટમનીનાં પૈસા બચાવી અનાજ-કઠોળની 45 ફૂટની તિરંગા રાખડી બનાવી હતી.
રાજકોટની વિરાણી હાઇસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઈસ્કૂલમાં દર વર્ષે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા 230 સ્કવેર ફૂટ જેટલી જગ્યામાં વિશાળ 45 ફૂટની રાખડી બનાવવામાં આવી છે. આ રાખડી બનાવવા માટે અનાજ અને કઠોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા પોકેટમનીમાંથી બચત કરી અનાજ તેમજ કઠોળ લાવવામાં આવ્યું છે.