શેરબજારમાં ટ્રેડિંગ કરી રૂપિયા કમાવવાની લાલચમાં રાજકોટ એઇમ્સના લેબ ટેક્નિશિયનને રૂ.85,700 ગુમાવ્યાં હતાં. લેબ ટેક્નિશિયનને અજાણ્યાં નંબર પરથી આવેલ કોલ બાદ વિશ્વાસમાં આવી પોતાનું એકાઉન્ટ આપી દેતાં રૂ.1 લાખ ગુમાવ્યાં હતાં. જે બાદ થયેલો લોસ રિકવર કરવાં ગઠિયાએ વધુ રૂપિયા પડાવ્યાં હતાં. બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ પર પરીશ્રમ સત્કાર સ્કૂલની બાજુમાં રહેતા સાગર શંભુભાઈ સાવલીયા (ઉં.વ.30)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બ્રિજેશ જેન્તીલાલ મારવાણીયા અને બે અલગ-અલગ બેંક ધારકના નામ આપતા સાયબર ક્રાઈમ પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ એઈમ્સમાં લેબ ટેક્નિશિયન તરીકે કામ કરે છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવે છે. એક વર્ષ પહેલા તેમના મોબાઈલ નંબર પર મો.નં. 90169* પરથી કોલ આવ્યો હતો અને પોતાનુ નામ બ્રિજેશ મારવાણીયા જણાવ્યું હતું. જેણે શેરબજારમાં ટ્રેડિંગ કરવા માટે કહ્યું હતું.
ફરિયાદીએ પોતાનું ડિમેટ એકાઉન્ટ ટ્રેડિંગ કરવા માટે આપી તેના આઈડી પાસવર્ડ પણ આપી દીધા હતાં. જેમાં તે વ્યક્તિએ પોતાની રીતે ઓપ્શન ટ્રેડિંગ કરતા એક અઠવાડિયામા રૂ.1 લાખનો લોસ આવ્યો હતો. બાદમાં તે વ્યક્તિને જણાવતા તેમને જણાવ્યું હતું કે, તમારે થયેલ લોસ રિકવર કરવો હોય તો તમારે મારા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા પડશે તો તમારું થયેલું લોસ હું રિકવર કરી આપીશ. જેથી તેના પર વિશ્વાસ આવતા તેમનાં બેંક એકાઉન્ટમાં તા.07.06.2023ના રોજ રૂ.5 હજાર, તા.08.06.2023 ના રોજ રૂ.8700, તા.09.06.2023ના રોજ રૂ.2 હજાર તેમજ અન્ય એક એકાઉન્ટમાં અલગ-અલગ તારીખે ટ્રાન્જેકસનથી કુલ રૂ.85700 ટ્રાન્સફર કર્યા હતાં.