વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રજ્ઞાસભા સૌરાષ્ટ્ર પ્રાંતના સહયોગથી તારીખ 8 સપ્ટેમ્બરને રવિવારે ‘સસ્ટેઈનેબલ વોટર સોલ્યુશન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રિજિયન’ વિષય પર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે. આ નેશનલ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર તથા વિવિધ વિદ્યાશાખાના અધ્યાપકો પોતાના સંશોધનો રજૂ કરશે. આ કોન્ફરન્સમાં ખ્યાતનામ યુનિવર્સિટીઓ અને વિવિધ કોલેજમાંથી વિદ્યાર્થીઓ તેમના સંશોધનપત્રો અને પોસ્ટર રજૂ કરશે. કોન્ફરન્સના મુખ્ય વક્તા ડૉ.નરેન્દ્રકુમાર ગોટિયા છે કે જેઓ અગાઉ કૃષિ યુનિવર્સિટી-જૂનાગઢના કુલપતિ રહી ચૂક્યા છે. સંશોધનપત્રો આપવાની અંતિમ તારીખ 27 ઓગસ્ટ છે.
સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની વિકરાળ સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટે નેશનલ કોન્ફરન્સના માધ્યમથી તજજ્ઞો દ્વારા પ્રકલ્પો રજૂ કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલા પેપરોમાંથી સારું રિસર્ચ ધરાવતા પેપરને પ્રજ્ઞાસભાની જર્નલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. દરેક સ્પર્ધકોને તથા વિજેતા સ્પર્ધકોને સર્ટિફિકેટ અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાશે.