બે દિવસ પૂર્વે રાત્રિના સમયે સરાજાહેર કરેલ સશસ્ત્ર હુમલામાં એકનું મોત નીપજતાં હત્યાની કોશિશનો બનાવ હત્યામાં પલટાયો હતો. રાજકોટના ઢેબર રોડ પર ઢેબર કોલોનીમાં સામું જોવા જેવી નજીવી બાબતે લાંબા સમયથી દુશ્મન બની બેઠેલાં બે જૂથ વચ્ચે થયેલ માથાકુટ બાદ રાતના સમયે હથિયારો સાથે ઘસી આવેલા નવ શખ્સે પાન-બીડીના ધંધાર્થી અને તેના પરિવાર પર હુમલો કરી વાહનોમાં પણ તોડફોડ કરી હતી. દુકાન ધરાવતાં યુવાન સહિત ચારને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ ગંભીર રીતે ઘવાયેલા 45 વર્ષીય સુરેશભાઈ સોલંકીનું ટૂંકી સારવારમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જે અંગે ગણતરીની કલાકોમાં ભક્તિનગર પોલીસે તમામ 9 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના ઢેબર કોલોનીમાં જોગણીમાં અને રખાબાપાના મંદિર પાસે રહેતાં વિક્કી સુરેશભાઈ સોલંકી (ઉં.વ.25)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભીમા બાબુ સોલંકી, પ્રકાશ બાબુ સોલંકી, રાજુ બાબુ સોલંકી, શૈલેષ ભીમા, નિલેશ ભિમા, અરવિંદ જાદવ, અનિલ રણછોડ, ધના માવજી અને યોગેશ ભગવાનજીનું નામ આપતાં ભક્તિનગર પોલીસે બીએનએસ એક્ટ 109(1), 118(2), 117,118(1), 189(3), 189(4),190,191(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.