રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળાએ માઝા મૂકી છે. એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના અધધ 11 કેસ નોંધાયા છે અને સાથે જ પાણીજન્ય રોગ વધ્યા છે.વરસાદ પડ્યો હોય અને તે પાણી ભર્યું રહે તો મચ્છર તેમાં ઈંડાં મૂકે છે અને એક જ સપ્તાહના સમયમાં આ ઈંડામાંથી પોરા અને બાદમાં મચ્છર બની જાય છે. જે ફરીથી આ સાઇકલ રિપીટ કરે છે. ચાલુ વર્ષે રાજકોટમાં ભારે વરસાદ પડ્યો નથી ઝાપટાંઓને કારણે રહેણાક અને વ્યવસાયિક વિસ્તારોમાં અલગ અલગ પાત્રો કે સ્થળોએ ચોખ્ખું પાણી જમા થયું જેથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે. આ જ કારણ છે કે ડેન્ગ્યુના 11 કેસ માત્ર 7 દિવસમાં નોંધાયા છે.
આ સિવાય મલેરિયાનો પણ એક કેસ નોંધાયો છે. ડેન્ગ્યુના આ કેસ એલાઈઝા ટેસ્ટ પોઝિટિવ છે તેના કરતા અનેક ગણા દર્દીઓ રેપિડ કાર્ડ ટેસ્ટ કરીને સારવાર હેઠળ છે જેનો આંક તંત્રને પણ ખબર નથી. ભારે વરસાદ પડે તો બંધિયાર પાણી ઉલેચાય અને તેની સાથે મચ્છરોના પોરા પણ નાશ પામે જોકે હજુ વરસાદની કોઇ ચોક્કસ આગાહી હવામાન વિભાગ પણ કરી શક્યું નથી.
શહેરમાં માત્ર ઝાપટાં પડી રહ્યા છે ભારે વરસાદ પડતો નથી તેથી હજુ સુધી ભૂગર્ભ જળના તળ ઊંચા આવ્યા નથી. આ કારણે હવે પાણીજન્ય રોગમાં વધારો જોવા મળ્યો છે. ટાઈફોઈડના 3 કેસ નોંધાયા છે. કમળાનો પણ એક દર્દી નોંધાયો છે. આ ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસના 1140, સામાન્ય તાવના 678 અને ઝાડા-ઊલટીના 340 કેસ નોંધાયા છે.