આજથી રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, સી.આર. પાટીલ તિરંગાયાત્રામાં જોડાયા હતા. બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી શરૂ થયેલી તિરંગાયાત્રા જ્યુબિલી ગાર્ડન ચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી. જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે આ ધરતીએ અનેક સંત-મહાત્માઓને જન્મ આપ્યો છે. બધી જ જગ્યાએ તિરંગા જ જોવા મળી રહ્યા છે. આથી આઝાદીનો સમય યાદ આવે છે. આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું બહુ યોગદાન છે. મહાત્મા ગાંધીની ભૂમિને ભૂલી નહીં શકાય. સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય. કોંગ્રેસના મિત્રો તમને એક જ પરિવાર યાદ રહે છે, આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સરદાર પટેલ યાદ રહેતા નથી.
આ તિરંગાયાત્રામાં રાજકોટની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રાજકોટનાં નગરજનો જોડાયાં હતાં. તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. બહુમાળી ભવન ખાતે યુવાનો અને યુવતીઓએ પરંપરાગત વેશભૂષામાં ગરબાની રમઝટ બોલાવી હતી. તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને રાષ્ટ્રધ્વજ હાથમાં રાખી સેલ્ફી પણ લઈ રહ્યા હતા.