આટકોટ નજીક વીરનગર ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ફાંસો ખાઇ મોત માગી લીધું હતું. ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો લઇ જસદણ સિવિલમાં પીએમ માટે ખસેડ્યો હતો. તલાટીએ એકલવાયા જીવનથી કંટાળી આપઘાત કરી રહ્યો હોવાનો પોતાની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હોવાનો તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.
આટકોટ વીરનગર ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા અભિષેક અશોકભાઈ દેવમુરારી, ઉ.વ.27 આટકોટના ગાયત્રી નગર વિસ્તારમાં ભાડે રહેતા હતા, ત્યાં જ ફાંસો ખાઇ લીધો હતો અને મરતાં પહેલાં તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે મારા ગયા પછી માતા, પિતાનો ખ્યાલ રાખજો. બનાવની જાણ થતા આટકોટના પીએસઆઇ જે એચ સીસોદીયા, પારસભાઈ જાંબુડીયા, જયરાજભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમનો પરિવાર ગાંધીનગર રહેતો હોઇ તેમને જાણ કરાતાં પરિવારજનો દોડી આવ્યા હતા. નોંધનીય છે કે અભિષેક વીરનગર ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે સાત મહિનાથી નોકરી કરતા હતા. તેમના પિતા અશોકભાઈ ને બે દીકરા બે દીકરીઓ છે, જેમાં અભિષેક સૌથી નાનો હતો અને અપરિણીત હતો. વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.