રાજકોટ મહાનગરપાલિકાના ડ્રાઈવર દેવરાજ ઝિંઝુવાડીયાનું કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. પડધરીના ભાયુના દેમડા ગામે પાટડિયા પરિવારની જમીન પર કબજો મેળવવા માટે વારંવાર ટોળું ખેતરની બે એકરથી વધુ જગ્યા પર આવી ધાકધમકી આપી જમીન પચાવી પાડવા હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ થઈ છે. આજે (6 ઓગસ્ટ) પણ આ ટોળું ખેતરની જગ્યા પર ધોકા સાથે આવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિવારના 70 વર્ષીય દીવાળીબેનની તબિયત લથડી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે પડધરી પોલીસ સ્ટેશન મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તેમજ કલેક્ટર કચેરીએ પણ રજૂઆત કરી છે તેમ છતાં પણ સમસ્યા દૂર થઈ નથી.
અરજદારો સુરેશ રણછોડભાઈ પાટડિયા, દામજી રણછોડભાઈ પાટડિયા, કાનજી પોપટભાઈ પાટડિયા, રાજેશ ભીમાભાઈ પાટડિયા (રહે. દામડા ભાયુના, તા. પડધરી, જિ. રાજકોટ) એ પડધરી પોલીસ સ્ટેશનમાં PSIને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પડધરીના ભાયુના દોમડા ગામે રહીએ છીએ અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. અમારા વડવાથી મૂળ જમીન અમારી છે. જે જમીનમાં ઉતરોઉતર ભાયુ ભાગે આવતા આવતા હાલમાં વડીલો પાર્જિત જગ્યાનો કબજો સંભાળીએ છીઅ અને તે મુજબ રસ્તાના ઉપયોગ કરીએ છીએ.