રાજકોટ આરટીઓ કચેરીના ઇતિહાસમાં પ્રથમ વખત વેરો ભરપાય ન કરનારા વાહનધારકોને નોટિસો ફટકારવામાં આવી રહી છે. જેમાં 1,223 વાહનોને નાયબ મામલતદાર મારફત RRC એટલે કે, રેવન્યૂ રિકવરી સર્ટિફિકેટ ઇસ્યૂ કરવામાં આવી રહ્યા છે. 2થી 8 વર્ષ સુધી વેરો ભરપાય ન કરનારા વાહનધારકોને રૂ.20 કરોડથી વધુના વેરાની ચૂકવણી માટે મિલકત કબ્જાની નોટિસ આપવામાં આવી રહી છે. જેથી વાહનધારકો વેરો ભરપાય કરવા લાગ્યા છે અને 243 કેસમાં 1 કરોડનો વેરો વાહનધારકોએ ભરી દીધો છે.
રાજકોટના ઇન્ચાર્જ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, મોટર વ્હિકલ એક્ટ અને રુલ્સ મુજબ તેમજ મોટર વ્હિકલ ટેક્સ એક્ટ મુજબ કોઈપણ વાહન હોય તેને વેરો ભરવાનો હોય છે. પરંતુ ઘણા એવા વાહનો છે કે, જેમના દ્વારા વર્ષો સુધી વેરો ભરપાય કરવામાં આવ્યો નથી. એટલે કે, જે વાહનો દ્વારા 2 વર્ષથી 8 વર્ષ સુધીમાં વેરો ભરવામાં આવ્યો નથી. તેઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. તેવા વાહનોને RRC એટલે કે રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ આરટીઓ કચેરી દ્વારા વર્ષોથી વાહનોનો ટેક્સ ન ભરનાર અને સરકારી લેણાંની ભરપાય ન કરનાર વાહનમાલિકોને નોટિસ આપવામા આવી છે. જેમાં કચેરીના નાયબ મામલતદાર હીરબેન દ્વારા (RRC) રેવેન્યૂ રિકવરી સર્ટિફિકેટની 1223 જેટલી નોટિસ આપવામાં આવેલ હતી. જેમાં 243 કેસમાં 40,582 સ્કૂલ બસ, 7,21,346 ટેક્સી વાહન, 7,50,158 મેક્સી વાહન, 26,40,576 ગુડ્સ વાહન, 12,69,342 એક્સકેવેટર અને સ્પેશિયલ કન્સ્ટ્રક્શન વ્હિકલ 45,85,432ની વસૂલાત કરવામા આવી છે.