સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે, રામેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવજીને પ્રતીક દૂધ ચડાવીને બાકીનું દૂધ ગરીબ બાળકોને અપાશે. શ્રાવણ માસમાં આખો મહિનો વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ માટે એક પણ રૂપિયાનો ફંડ ફાળો ઉઘરાવાશે નહિ. આ ઉપરાંત મહિલા મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવશે. તેમજ રુદ્રાભિષેક, પૂજન-અર્ચન, સત્સંગ, દીપમાલા સહિત કાર્યક્રમો અને જન્માષ્ટમી નિમિત્તે હિંડોળા દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે. સવારથી રાત સુધી મંદિરમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠશે.
આયોજકોના જણાવ્યાનુસાર શિવભક્તિમાં ગરીબોની સેવા થઇ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં પરોઢથી રાત સુધી મંદિરમાં શિવપૂજા-અર્ચન, રુદ્રાભિષેક, મહાઆરતી, દીપમાલા અને સત્સંગ મંડળે ભજન-ધૂનનું આયોજન કર્યું છે. શ્રદ્ધાળુઓને સમજાવી શિવને પ્રતીક દૂધ ચડાવી વધેલું દૂધ એકઠું કરી બપોરે દૂધ જરૂરિયાતમંદ વસાહતમાં આપવામાં આવશે. તેમજ તેઓને પ્રસાદ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવશે. સોમવારે શિવમંદિરે મહાપ્રસાદ આપવામાં આવશે તેમ આયોજકે જણાવ્યું છે.
આ ઉપરાંત રાજકોટના રામનાથ, ધારેશ્વર, જાગનાથ, પંચનાથ, સોમેશ્વર મહાદેવ મંદિર, મહાકાલેશ્વર,કામનાથ મહાદેવ, ગોપીનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવમંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. દર સોમવારે રુદ્રી,લઘુરુદ્રી, મહાપૂજા તેમજ ચોકલેટ, અનાજ-કઠોળ, ગુલાબ-પુષ્પ સહિતના વિવિધ શણગાર પણ યોજાશે. શ્રાવણમાં દરેક શિવમંદિરોમાં રાજકોટમાં હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠશે.