રાજકોટ તાલુકાના સોખડા પ્રાથમિક શાળામાં આચાર્યા અને શિક્ષકો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હોય ડીપીઇઓ દ્વારા આઠ સભ્યની તપાસ સમિતિ નિમી હતી અને તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ શિક્ષકો અને આચાર્યાને રજૂઆત માટે છેલ્લી એક-એક તક આપવામાં આવી હતી જેમાં શિક્ષકોએ રજૂઆત કરી દીધી છે જ્યારે હવે આચાર્યાને પોતાનો પક્ષ રજૂ કરવા તક આપવામાં આવી છે. આ રજૂઆતનું હિયરિંગ થઇ ગયા બાદ ડીપીઇઓ દ્વારા આ કેસનો સમગ્ર રિપોર્ટ ગાંધીનગર શિક્ષણ વિભાગને કરવામાં આવશે અને ત્યારબાદ જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સોખડા પ્રાથમિક સ્કૂલના વિવાદમાં ચાર ક્લાસ-વન અધિકારી સહિત આઠ અધિકારીઓની ટીમને તપાસના આદેશ કરાયા હતા. આ તપાસ સમિતિએ શિક્ષકો અને આચાર્યાના જવાબો લઇ પોતાના રિપોર્ટ રજૂ કરી દીધા હતા. જ્યારે ગ્રામજનોએ નિવેદન આપવાનો નનૈયો ભણી દીધો હતો.
દરમિયાનમાં આ પ્રકરણમાં જવાબદારો સામે કાર્યવાહી પૂર્વે ડીપીઇઓ દીક્ષિત પટેલ દ્વારા બન્ને પક્ષોને ફરી એકવખત રજૂઆતની તક આપવામાં આવી હતી અને તેમાં શિક્ષકોએ પોતાનો પક્ષ રજૂ કરી દીધો છે જ્યારે આચાર્યાનું હિયરિંગ હવે થશે. આ બન્ને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ તપાસનો અહેવાલ ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગને સુપ્રત કરાશે અને સ્થાનિક કક્ષાએ જવાબદારો સામે નિયમાનુસારના પગલાં લેવામાં આવશે. જોકે કોણ જવાબદાર? અને શું પગલાં લેવાશે? તે મુદ્દે હાલમાં તંત્રે મૌન ધારણ કરી લીધું છે.