સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા શિક્ષણ અધિકારીએ બઢતી ન સ્વીકારતા શિક્ષણ વિભાગના નાયબ સચિવ દ્વારા ત્રણેય DEOને મૂળ જગ્યાએ પરત મોકલવાનો ઓર્ડર કર્યો છે. જેમાં રાજકોટ, જામનગર અને બોટાદના જિલ્લા શિક્ષણ અધિકારીનો સમાવેશ થાય છે. આ ત્રણે જિલ્લા શિક્ષણ અધિકારીની અગાઉ વર્ગ- 2માંથી વર્ગ- 1માં બઢતી કરવામાં આવી હતી. જોકે, ત્રણેય DEOએ ચાર્જ લીધા બાદ અલગ અલગ કારણોસર વર્ગ- 1માંથી વર્ગ- 2માં જવા માટે અરજી કરી હતી. આજે તેના પર રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય કરી લીધો છે અને ત્રણેય જિલ્લા શિક્ષણ અધિકારીને મૂળ જગ્યાએ પરત મોકલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રાજ્યનાં શિક્ષણ વિભાગનાં નાયબ સચીવ આર. સી. દેસાઈએ કરેલા પરિપત્ર મુજબ, રાજકોટ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી નીલેશ રાણીપાને મોરબીના વાંકાનેરની મોડેલ સ્કૂલ, બોટાદના જિલ્લા શિક્ષણ અધિકારી પ્રતિપાલસિંહ ગોહિલને ભાવનગરના પાલીતાણાના માનવડની મોડેલ સ્કૂલ તો જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારી ભરતકુમાર વિડજાની મોરબીના માળિયા મિયાણાની મોટી બરારમાં મૂળ જગ્યાએ પરત ફરજનો ઑર્ડર કરવામાં આવ્યો છે.